Shop Now (In your cart 0 items)

Life

જીવન...

મરણ તો આવે ત્યારે વાત

અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત.

ખીલવાનો આનંદ હોય છે

ખરવાની કોઈ યાદ નથી,

સુગંધ જેવો ભીનો ભીનો

વરદાન સમો વરસાદ નથી!

સોના જેવો દિવસ ઊગે રૂપા જેવી રાત.

મરણ તો આવે ત્યારે વાત.

હરતા રહેવું, ફરતા રહેવું

ઝરણાંની જેમ વ્હેતા રહેવું,

મહેફિલને મનભરી માણી

જલસા જલસા કહેતા રહેવું.

જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્નો, પંચાત.

મરણ તો આવે ત્યારે વાત.

ગીતમલ્લિકા, 15-11-2004

મારે આત્મકથા લખવી છે.

હું મને પૂછ્યા કરું છું

કે આ આત્મકથા કોને માટે?

શા માટે?

(વર્તમાનથી છૂટવાની આ છટકબારી તો નથી ને?)

મારી સ્મૃતિ

ભૂતકાળની શેરીઓમાં

સત્યને શોધવા માટે

નીકળી પડી છે,

જેમ કોઈ અભિસારિકા

કાળી રાતે

પ્રિયતમના સંકેતસ્થાને

મળવા નીકળી હોય એમ.

મારે ભવના ભોંયતળિયામાં

ઠેઠ પહોંચીને

મારી વાતને

આકાશની અગાશી પર

મૂકવી છે.

સંબંધ તો એક જ

સ્વ સાથેનો.

મારે મારા

આ સંબંધોની

કુંડળી માંડવી છે.

કવચ અને કુંડળ

ઉતારી નાખીને

કર્ણની જેમ

મારે અર્જુન અને કૃષ્ણ

બંનેને ઓળખતાં ઓળખતાં

એમનાથી જ ઘાયલ થઈને

પ્રયાણ કરવું છે

મારા જ મરણ તરફ.

તરાપો (1995)

ના... તા. 6-3-1992ના આ કાવ્ય પહેલાં કે પછી સુરેશભાઈએ આત્મકથા ક્યારેય ન લખી. પણ આભાર ઉત્પલ ભાયાણી અને જયા મહેતાનો કે જેમણે ‘આત્મકથાની અવેજી’ જેવી સુદીર્ઘ મુલાકાતો દ્વારા ‘ભૂતકાળની શેરીઓમાં’થી સુરેશભાઈને શોધી આપ્યા...

ઉત્પલ ભાયાણીએ 1982માં સુરેશભાઈના વનપ્રવેશ નિમિત્તે થયેલા સુરેશ દલાલ મૂલ્યાંકન ગ્રંથ—સંપર્કમાં ‘વીતેલી ક્ષણોમાં...’ શીર્ષક હેઠળ 78 પાનાંમાં સુરેશ દલાલ સાથે એક પ્રશ્નોત્તરી સમાવિષ્ટ કરેલી. ત્યાર બાદ જયા મહેતાએ પુસ્તકાકારે પ્રગટ કરેલી મુલાકાતો—ડાયલૉગ (1988), વેવલેન્થ (1995)—એ સુરેશભાઈના ઇમેજ પબ્લિકેશન્સની સ્થાપના પહેલાંના જીવન અને કાર્યને લગભગ સમગ્રપણે આવરી લે છે.

તો હવે પછીનાં પાનાંઓ પર સુરેશભાઈના જ શબ્દો...

[સંકલન : અપૂર્વ આશર]

આખરે તો કોઈ પણ મુલાકાત કે પ્રશ્નોત્તરી, વિગતો અને વિચારોનું મિશ્રણ છે. પરંતુ એ સાર્થક ત્યારે જ બને કે જ્યારે એમાંથી કંઈક એવું મળે જે અત્યાર સુધી ન કહેવાયું હોય... છએક બેઠકમાં લગભગ નવ-દસ કલાક ચાલેલી આ પ્રશ્નોત્તરીમાં ઘણી એવી ક્ષણો આવી, જે નિકટનો પરિચય ન હોત તો કદાચ એટલી ઉત્કટ અને સાચી ન બનત. પ્રશ્નોની પસંદગીમાં અને ઉત્તરોની સઘનતામાં નિકટતાનો મોટો ફાળો છે એમ હું માનું છું.

[ઉત્પલ ભાયાણી, સંપર્ક]

સુરેશભાઈનું વ્યક્તિત્વ આ પ્રશ્નોત્તરીમાં પ્રગટ થાય જ છે... એક રીતે જોઈએ તો આત્મકથાની અવેજી જેવું આ પુસ્તક છે. આત્મકથા કરતાં અહીં મજા એ છે કે આત્મકથામાં લેખક પોતે ધારે તે ને તેટલું જ લખી શકે છે, અહીં પુછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપવાના હોય છે.

[જયા મહેતા, ડાયલૉગ]

આ ‘પ્રશ્નોત્તરી’ આત્મકથાનો જ એક પ્રકાર છે. આ તમે ન કરી હોત તો પણ હું આત્મકથા ન જ લખત. કોઈ પૂછે તો વાતો કરવી ગમે છે, પણ ખણીખોતરીને ભૂતકાળમાં જવું, એની વિગતો યાદ કરવી, એને સિલસિલાબંધ ઉતારવી—આ બધું કંટાળાજનક લાગે છે. જે વસ્તુ કંટાળાજનક લાગે અને જેમાં આનંદ ન આવે, એવું કશું હું ન કરું.

To know more about Suresh Dalal life, kindly click here